ગુજરાતી સોફ્ટવેરનો લોકાર્પણવીધી : એક અહેવાલ
–જુગલકીશોર…………………………………………………….
[ ટેકનોલોજી ડેવલપમેન્ટ ઈન ઈન્ડીયન લેંગ્વેજીઝ (TDIL) તથા સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાંસ કોમ્પ્યુટીંગ ( C-DAC)ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી સોફ્ટવેર ટુલ્સ અને ફોન્ટ્સની એક અતી કીમતી સીડી આજે ગુજરાતના સ્થાપના દીવસે ભારત સરકારના ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી વીભાગ દ્વારા વીશ્વભરમાં વ્યાપેલા ગુજરાતીભાષીઓના રોજીંદા વ્યવહારો માટે સાવ ની:શુલ્ક રુપે રીલીઝ કરીને ગુજરાતી ભાષા-સાહીત્યક્ષેત્રે એક બહુઆયામી પ્રવૃત્તીને ગતી આપી હતી.....આ ઐતીહાસીક મુલ્ય ધરાવતી સભામાં હાજર રહેવાનો અલભ્ય અવસર મળવાથી એનો અહેવાલ લખવાનો લોભ જતો કરી શકાતો નથી !! આપ સમક્ષ એને મુકતાં આનંદ-ગૌરવનો અનુભવું છું.]
ગુજરાતી વીશ્વકોશ ટ્રસ્ટના ભવ્ય અને અત્યંત સુંદર મકાનમાં જાણે વસંત ખુદ આવીને બેસી ગઈ હોય એવો ફુલોથી ગુંથ્યો-મઢ્યો હૉલ કોયલના ટહુકાની જ ખામી ધરાવતો હતો ! [એ ખામીય જોકે તરત જ શરુ થઈ ચુકેલા વાદ્યવાદનને લીધે પુરાઈ ગઈ હતી...]
આવા સુંદર અને સુગંધી વાતાવરણમાં માત્ર નીમંત્રીત સભાજનોએ બરાબર સાંજના 3.45 વાગે પોતપોતાની બેઠક લઈ લીધી હતી. મહેમાનોએ પણ પોતાને મળેલા સમયનું બરાબર પાલન કરીને બેઠકો લઈ લીધી હતી. સમયસર જ કહી શકાય એ રીતે સમારંભનો પ્રારંભ પ્રાર્થનાના શ્લોક તથા ગુજરાત રાજ્યના સ્થાપના દીવસને અનુરુપ ‘જયજય ગરવી ગુજરાત’ના લાડીલા ગીતથી થયો. કહેવાની ભાગ્યે જ જરુર છે કે પત્રકારો અને કેમેરામેન વગેરેની બહુ જ મોટી સંખ્યાએ સૌના હ્રદયમાં આજના દીવસની મહત્તા અને થનારા કાર્યનું માહાત્મ્ય સ્થાપી દીધાં હતાં.
સ્વાગત પ્રવચનની સાથે જ જોઈન્ટ સેક્રેટરી તથા ફાઈનાન્સીઅલ એડવાઈઝર ઉપરાંત લેન્ગ્વેજ કોમ્પ્યુટીંગ ગ્રુપના ગ્રુપ કોઓર્ડીનેટર શ્રી ભારતભુષણજીએ કહ્યું કે ગુજરાતી ટુલ્સ અને ફોન્ટ્સની આ સીડી દેશમાં તાજેતરમાં જ પ્રગટ કરવામાં આવેલી અગીયારમી સીડી છે. અમારો આ કાર્ય પાછળનો હેતુ આઈટીને લોકસમુદાય સુધી પહોંચાડીને એને લોકભોગ્ય અને વ્યવહારુ બનાવવાનો છે. આ સાધન એ હેતુ માટેનું હાથવગું અને શક્તીશાળી સાધન છે. દેશના ઉત્તમ વહીવટ માટે તે સરળ અને સફળ બની રહેશે.
સી-ડેકના ડાયરેક્ટર જનરલ શ્રી એસ રામક્રીષ્ણનજીએ જણાવ્યું હતું કે ભાષા અંગેની ટેકનોલોજી અત્યારે અત્યંત મહત્ત્વના સ્થાને છે. આજના વીકાસના માર્ગમાં એનું મહત્વ અત્યંત છે. લોકોના અનેકાનેક પ્રશ્નોના ઉકેલની દીશામાં પ્રાદેશીક ભાષા અને એની ટેકનોલોજીએ ઘણું મહત્ત્વનું કાર્ય કરવાનું હોઈ આજના આ કાર્યને એનું આગવું મહત્ત્વ છે. આજે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો આ ક્ષેત્રમાં આવી રહ્યાં છે, એમને માટે વ્યાપક અર્થમાં આનો ઉપયોગ કરવાનું જરુરી છે.
રાજ્યના સાયન્સ અને ટેકનોલોજીના સેક્રેટરી શ્રી રાજકુમારજીએ કહ્યું હતું કે આઠેક વરસ પહેલાંથી જ ગુજરાતે આ ક્ષેત્રમાં પદાર્પણ કરીને આ મહત્ત્વના કાર્યનો આરંભ તો કરી જ દીધો હતો. પણ હવે આ સોફ્ટવેર દ્વારા આપણે એક વીરાટ પગલું મુકી ચુક્યાં છીએ. એમણે આના સંદર્ભમાં સૌને યાદ દેવડાવ્યું હતું કે યુનાઈટેડ નેશન્સ દ્વારા આ વર્ષને આંતર રાષ્ટ્રીય ભાષાવર્ષ તરીકે જાહેર કર્યું છે.
કોમ્યુનીકેશન્સ અને ઈન્ફર્મેશન મીનીસ્ટ્રીના નીયામક શ્રીમતી સ્વર્ણ લતાજીએ ભાષાકીય ટેકનોલોજીના વીકાસમાં ટીડીઆઈએલ શું ભાગ ભજવી શકે એ અંગે વીગતપુર્ણ અને રસાળ શૈલીમાં વાત મુકી હતી.
કાર્યક્રમમાં થોડો ફેરફાર કરીને પ્રમુખશ્રીનું વક્તવ્ય આગળ કરાયું હોઈ સભાપતી શ્રી કુમારપાળ દેસાઈએ પોતાના મનનીય પ્રવચનમાં આ દેશની વીશેષ વાતો, અમેરીકામાં જઈને વીવેકાનંદ દ્વારા કહેવાઈ તેને યાદ કરી હતી. ભાષાક્ષેત્રે પણ થયેલી આવી જ અનેક કામગીરીઓનો ઉલ્લેખ કરીને તેમણે દેશભરમાં સૌથી વધુ શબ્દોના ગુજરાતી વીશ્વકોશની વાત કહી હતી. ગુજરાતના અનેક સર્જકોને યાદ કરીને એમણે આપણા સાહીત્યની તથા ભાષાની બાબતો આગળ કરીને આજના ટેકનોલોજીના યુગને અનુરુપ આજે થઈ રહેલા કાર્યની મહત્તા સમજાવી હતી.
આ દીશામાં ગુજરાતીભાષા દ્વારા વીશ્વભરના ગુજરાતીઓ માટે સતત અને સખત પરીશ્રમ લઈને લેક્સીકોન જેવી વીરાટ કામગીરી કરનાર શ્રી રતીભાઈ ચંદરયાને તેમણે આદરપુર્વક સંભાર્યા હતા. લેક્સીકોનની કામગીરીને સંક્ષેપમાં બતાવીને તેમણે વર્ષો પહેલાં થઈ ચુકેલી કામગીરીનું મુલ્ય સમજાવ્યું હતું. વીશ્વ સમસ્તના ગુજરાતીઓ માટે થયેલી એ કામગીરીને તેમણે યથાસમય અને યથાયોગ્ય રીતે મુકી હતી, જેનો પડઘો પછી શ્રી કુલકર્ણીજીના વક્તવ્યમાં પણ પડ્યો હતો જેમાં આજના આધુનીક યુગને શોભે તેવું ભાષાકર્મ કરવા બદલ શ્રી રતીભાઈને જ નહીં પણ એમના જમણા હાથ સમા યુવાન ટેકનોક્રેટ શ્રી અશોક કરણિયાની અત્યંત કાબેલ કામગીરીનેય વખાણી હતી.
પ્રેસદ્વારા સાંજે જ પ્રસીદ્ધી આપવાની હોઈ પ્રમુખશ્રી દ્વારા સીડીનો લોકાર્પણ વીધી પણ વ્યાખ્યાન બાદ તરત જ કરવામાં આવ્યો હતો.
આજના વીષયને અનુરુપ ખાસ બે વ્યક્તીઓનાં વ્યાખ્યાનો પણ થયાં હતાં. જેમાં ગુજરાત ઈન્ફોર્મેટીક્સ લીમીટેડના ઈ-ગવર્નન્સના ડાયરેક્ટર શ્રી શ્રીમતી નીતા શાહે રાજ્યના આ ક્ષેત્રના કાર્યોનો અહેવાલ અને આ દીશામાં હજી પણ જે કાંઈ જરુરી થશે તેનો આગોતરો ખ્યાલ રજુ કર્યો હતો. જ્યારે ગુજરાત યુનીવર્સીટીના ભાષાભવનનાં વડાં શ્રીમતી કીર્તીદા શાહ દ્વારા ભાષાકીય બાબતો રજુ કરવામાં આવી હતી. એમણે આવી રહેલા સમયમાં આ સીડી દ્વારા થનારા ક્રાંતીકારી કામનું સ્વાગત કર્યું હતું. જોકે એમણે તો ગુજરાતીમાં વ્યાખ્યાનો કેમ નથી થતાં અને માતૃભાષા તથા રાષ્ટ્રભાષાને બદલે અંગ્રેજીમાં જ થતાં હોય છે એ અંગે કટાક્ષ પણ કરી દીધો હતો !
C-DAC, GISTના પ્રોગ્રામ કોઓર્ડીનેટર શ્રી કુલકર્ણીજીએ સભાજનો સમક્ષ સીડીમાં ઉપલબ્ધ સેવાઓ સમજાવીને સીડીનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વીસ્તૃત સમજુતી આપી હતી તથા આભારદર્શન કર્યું હતું.
સભાના અંતે સૌ સભ્યોએ હળવા નાસ્તાને ન્યાય આપીને ગુજરાતીઓ માટેના આજના આ અતી મહત્ત્વના દીવસની ધન્યતા માણી હતી.
—===000===—
વાંચ્યું એણે લખ્યું :